દાનિ. 11
11
1માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે, હું મિખાયેલને મદદ કરવા તથા મજબૂત કરવા આવ્યો.
મિસર અને સિરિયાનાં રાજ્યો
2હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.
3એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મહા પ્રતાપથી રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. 4જ્યારે તે ઊભો થશે, ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશના ચાર પવનો તરફ તેના વિભાગ પડશે, પણ તે તેના વંશજોને આપવામાં આવશે નહિ. તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો, તે રાજપદ્ધતિ પ્રમાણે ચાલશે, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે અને જેઓ તેના વંશજો નથી તેઓને તે આપવામાં આવશે.
5દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં વધારે બળવાન થશે, સત્તા ભોગવશે અને તેનું રાજ્ય પણ મોટું હશે. 6થોડાં વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તે પોતાનું બળ ખોશે, તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે.
7પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે તેઓને પરાજિત કરશે. 8તે તેઓના દેવોને, તેઓની ઢાળેલી મૂર્તિઓને તથા સોનાચાંદીના કિંમતી પાત્રોને કબજે કરીને પોતાની સાથે મિસરમાં લઈ જશે. થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે. 9ઉત્તરનો રાજા દક્ષિણના રાજા ઉપર ચઢી આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે.
10તેના દીકરાઓ યુદ્ધ કરશે અને મોટાં સૈન્યો ભેગાં કરશે, તેમાંનો એક તો ધસમસતા પૂરની જેમ ફરી વળીને આ છેડાથી પેલા છેડા સુધી જશે, તે પાછો આવીને તેના કિલ્લા સુધી હુમલો કરશે.
11મિસરનો રાજા ભારે ક્રોધમાં ચઢી આવશે અને ઉત્તરના રાજા સામે યુદ્ધ કરશે. ઉત્તરનો રાજા મોટું સૈન્ય ઊભું કરશે અને તે લશ્કર દક્ષિણના રાજાના હાથમાં સોંપવામાં આવશે. 12સૈન્યને લઈ જવામાં આવશે, ત્યારે દક્ષિણના રાજાનું મન ગર્વથી ભરાઈ જશે, પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તે સફળ થશે નહિ.
13ઉત્તરનો રાજા અગાઉના કરતાં બીજું મોટું સૈન્ય ઊભું કરશે. થોડાં વર્ષો પછી, ઉત્તરનો રાજા મોટું સૈન્ય તથા પુષ્કળ સામગ્રી લઈને ચઢી આવશે.
14તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે.
15તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણનાં લશ્કરો ટકી શકશે નહિ, તેમ જ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાની બળ રહેશે નહિ. 16પણ ઉત્તરનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણના રાજા વિરુદ્ધ યુદ્ધ કરશે, તેને કોઈ રોકી શકશે નહિ; એ રળિયામણા દેશમાં તેની સત્તા સ્થપાશે. અને તે તેનો કબજો મેળવશે.
17ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે, તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે, પણ તે યોજના સફળ થશે નહિ કે તેને મદદ મળશે નહિ. 18તે પછી, દક્ષિણનો રાજા ટાપુઓ પર ધ્યાન આપશે અને તેઓમાંના ઘણાનો કબજો કરશે. પણ સેનાપતિ તેની ઉદ્ધતાઈનો અંત લાવશે અને તેણે કરેલી ઉદ્ધતાઈ પાછી વાળીને તેના પર લાવશે. 19પછી તે પોતાનું ધ્યાન પોતાના દેશના કિલ્લાઓ તરફ આપશે, પણ તે ઠોકર ખાઈને પડશે અને તે ફરી કદી મળશે નહિ.
સિરિયાનો ભૂંડો રાજા
20પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે, જે જુલમથી કર લેનારને પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે. પણ થોડા જ દિવસોમાં તેનો અંત આવશે, પણ ક્રોધમાં કે યુદ્ધમાં નહિ. 21તેની જગ્યાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્યસત્તાનો અધિકાર આપ્યો નહોતો, તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે. 22તેની આગળથી મોટું સૈન્ય પૂરના પાણીની જેમ તણાઈ જશે. કરારમાં દાખલ થયેલા સૈન્ય તથા આગેવાન પણ નાશ પામશે.
23તેની સાથે સુલેહ કર્યા પછી તે કપટ કરશે; તે લોકો નાના છતાં તે બળવાન થશે. 24તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.
25તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે. 26જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે. 27આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે.
28પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે.
29પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ. 30કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.
31તેનાં લશ્કરો ઊભાં થશે અને પવિત્રસ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે; તેઓ નિત્યનું દહનાર્પણ લઈ લેશે, તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે. 32કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે.
33લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે. 34જ્યારે તેઓ ઠોકર ખાશે, ત્યારે તેઓને થોડી મદદ કરવામાં આવશે; પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે. 35કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારુ, શ્વેત કરવા સારુ, તથા શુદ્ધ કરવા સારુ અંતના સમય સુધી પ્રયત્ન કરશે પણ ઠોકર ખાશે. કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે.
36તે રાજા પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાનાં વખાણ કરશે અને પોતાને મોટો માનશે, સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે. 37તે પોતાના પૂર્વજોના દેવો કે દેવીને કે બીજા કોઈ દેવને ગણકારશે નહિ. તે ગર્વથી વર્તશે અને બધાના કરતાં પોતાને મોટો ગણશે.
38તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોનાંચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટસોગાદોથી આદર કરશે. 39પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે.
40અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે. 41તે રળિયામણા દેશમાં આવશે; ઘણા ઠોકર ખાશે, પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓના આગેવાનો તેના હાથમાંથી બચી જશે.
42તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે; મિસર દેશ પણ બચશે નહિ. 43સોનાચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે; લૂબીઓ તથા કૂશીઓ તેની સેવા કરશે.
44પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ભયભીત થઈ જશે, ઘણાઓનો નાશ કરવાને, ઘણાઓનો વિનાશ કરવાને ભારે ક્રોધમાં ચાલી આવશે. 45સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ બાંધશે. તેનો અંત આવશે અને તેને કોઈ મદદ કરશે નહિ.”
Currently Selected:
દાનિ. 11: IRVGuj
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.