YouVersion Logo
Search Icon

1 કરિં. 11

11
1જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.
ભક્તિસભામાં માથું ઢાંકવા વિષે
2વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું. 3હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. 4જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે.
5પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે વાળ ઊતરાવી નાખ્યાં સમાન છે. 6કેમ કે જો સ્ત્રી માથે ઓઢે નહિ તો તેણે પોતાના વાળ ઊતરાવી નાખવા જોઈએ; પણ જોકે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે તો તેણે માથે ઓઢવું જોઈએ.
7કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે; 8કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી.
9પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું. 10આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે.
11તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી. 12કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે.
13સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો 14અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે? 15પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે. 16પણ જો કોઈ માણસ એ બાબત વિષે વિવાદી માલૂમ પડે, તો જાણવું કે, આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી.
પ્રભુભોજન
માથ. 26:26-29; માર્ક 14:22-25; લૂક 22:14-20
17એ કહીને હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને સારુ ભેગા મળો છો. 18કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું. 19જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે.
20તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે. 21કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે. 22શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.
23કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી, 24અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’”
25એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’” 26કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.
27માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેમનો પ્યાલો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. 28પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું. 29કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે. 30એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.
31પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે. 32પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.
33તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ; 34જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.

Currently Selected:

1 કરિં. 11: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy