ઉત્પત્તિ પ્રસ્તાવના

પ્રસ્તાવના
મૂળ હિબ્રૂ પાઠમાં આ પુસ્તકનું શીર્ષક ‘પ્રારંભ’ છે. એની શરૂઆત જ વિશ્વની અને માનવજાતની ઉત્પત્તિથી થાય છે અને એ ઉત્પત્તિ કરનાર સનાતન ઈશ્વર પોતે જ છે. આથી આ પુસ્તકનું નામ ઉત્પત્તિ રાખવામાં આવ્યું છે. ઉત્પત્તિ પછી માનવજાત, કુટુંબ, પાપ, ન્યાયશાસન, દુ:ખ, ઉદ્ધાર તથા વિવિધ જાતિઓ, પ્રજાઓ અને ભાષાઓ એ બધાંની શરૂઆત કેવી રીતે થઈ તેનું વર્ણન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. વાસ્તવમાં, આ પુસ્તક ઈશ્વર સાથેના માનવીના સંબંધ અંગેના બધા સિદ્ધાંતોનો પાયો નાખે છે.
આ પુસ્તકને બે ભાગમાં વિભાગી શકાય:
(૧) ૧ થી ૧૧ અધ્યાયો.
વિશ્વનું સર્જન, અને માનવજાતનો શરૂઆતનો ઇતિહાસ. એમાં આદમ અને હવા, કાઈન અને હાબેલ, નૂહ અને જળપ્રલય, તેમ જ બેબિલોનના બુરજ વિષેનાં વૃત્તાંત છે.
(૨) ૧૨ થી ૫૦ અધ્યાયો.
ઇઝરાયલ પ્રજાના આદિ પૂર્વજોની વાત આપવામાં આવી છે. સૌપ્રથમ, પ્રજાના આદિ પૂર્વજ અબ્રાહામની વાત, ઈશ્વર પરનો એનો અજોડ વિશ્વાસ અને ઈશ્વરેચ્છાને સંપૂર્ણ આધીનતાની વાત આપવામાં આવી છે. એ પછી એના પુત્ર ઇસ્હાક અને પૌત્ર યાકોબની જીવનગાથા અને તેના બાર પુત્રોની વાતનું બયાન આપ્યું છે. આ બાર પુત્રો તે જ ઇઝરાયલ પ્રજાના બાર કુળોના કુળપતિઓ હતા. યાકોબનું બીજું નામ ‘ઇઝરાયલ’ હતું, તે પરથી એમની વંશજ પ્રજા ‘ઇઝરાયલ’ તરીકે ઓળખાતી આવી છે, અને આજે પણ ઓળખાય છે.
આ પુસ્તકમાં જો કે માનવવંશની વાત રજૂ કરાતી લાગે છે, પણ પુસ્તકના લેખકનો મૂળ હેતુ તો ઈશ્વરે માનવજાત માટે શું શું કર્યું છે તે બતાવવાનો છે. શરૂઆતે જ હકારાત્મક વાક્ય છે કે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં અને પુસ્તકના અંતભાગમાં પણ એવું દર્શાવ્યું છે કે ઈશ્વર માણસના સુખદુ:ખમાં અને જીવનમાં રસ લેતા જ રહેશે. આખાય પુસ્તકમાં મુખ્યપાત્ર અથવા મુખ્ય ભાગ ભજવનાર ઈશ્વર પોતે જ છે. તે માણસનો ન્યાય કરે છે, અને એનાં અપકૃત્યો માટે શિક્ષા કરે છે; તે જ પોતાના લોકોને દોરે છે અને સહાય કરે છે, અને તેમના પ્રજાકીય ઇતિહાસને વળાંકો આપી આપીને ઘડતર કરે છે. આ પ્રાચીન પુસ્તક લોકોના વિશ્વાસની અને એ વિશ્વાસ સચેત રાખવાને ઈશ્વરી સહાય તથા દોરવણીની ગાથાને ઇતિહાસને પાને નોંધી લેવા માટે લખવામાં આવ્યું છે.
રૂપરેખા
વિશ્વની અને માનવજાતની ઉત્પત્તિ ૧:૧—૨:૨૫
પાપ ને દુ:ખની શરૂઆત ૩:૧-૨૪
આદમથી નૂહ સુધી ૪:૧—૫:૩૨
નૂહ ને જળપ્રલય ૬:૧—૧૦:૩૨
બેબિલોનનો બુરજ ૧૧:૧-૯
શેમથી અબ્રાહામ સુધી ૧૧:૧૦-૩૨
ઇઝરાયલના આદિ પૂર્વજો: અબ્રાહામ, ઇસ્હાક, યાકોબ ૧૨:૧—૩૫:૨૯
એસાવના વંશજો ૩૬:૧-૪૩
યોસેફ અને તેના ભાઈઓ ૩૭:૧—૪૫:૨૮
ઇઝરાયલી લોકો ઇજિપ્તમાં ૪૬:૧—૫૦:૨૬

Označeno

Deli

Kopiraj

None

Želiš, da so tvoji poudarki shranjeni v vseh tvojih napravah? Registriraj se ali se prijavi