BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકનમૂનો

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

DAY 14 OF 20

લૂકના આ આગલા ભાગમાં ઈસુ જ્યારે ઈશ્વરના ઉથલ-પાથલ કરનારા રાજ્યમાં જીવવાના અર્થની આત્મિક સમજ પૂરી પાડવાની સાથે-સાથે એક આંધળા વ્યક્તિને દેખતો કરે છે. પણ કોઈપણ વ્યક્તિ પ્રાર્થના અને ગરીબો માટે ઉદારતા રાખવાની સાથે તે રાજ્યમાં રહેવાની શરૂઆત કરે તે પહેલાં, તેણે તેમાં દાખલ થવું અનિવાર્ય છે. અને જ્યાં સુધી કોઇ વ્યક્તિ પ્રથમ તો પોતાની જાતને ઈશ્વર પર સંપૂર્ણપણે આધાર રાખવા જેટલી નમ્ર ન કરે ત્યાં સુધી તેમાં દાખલ પણ થઈ શકતી નથી. કેટલાક લોકો પોતાની જાત પર ભરોસો રાખે છે અને આ વાતને સમજી શકતાં નથી, તેથી ઈસુ આ દ્રષ્ટાંત કહે છે. તે આ પ્રમાણે છે.

એકવાર બે વ્યક્તિઓ મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે. એક વ્યક્તિ તો ફરોશી હતો અને ધર્મશાસ્ત્રોના તેના જ્ઞાનને લીધે તથા મંદિરમાં આગેવાની આપવા માટે જાણીતો હતો. જ્યારે બીજો વ્યક્તિ કર ઉઘરાવનાર અધિકારી હતો અને રોમના આ ભ્રષ્ટ વ્યવસાયમાં કામ કરતો હોવાને લીધે તિરસ્કૃત ગણાતો હતો. ફરોશી વ્યક્તિ તો બીજા બધા કરતાં વધારે પવિત્ર હોવાની વાત કરીને પોતાના વખાણ કરે છે. તે તેના માટે ઈશ્વરનો આભાર માને છે. પણ કર ઉઘરાવનાર અધિકારી તો પ્રાર્થના કરતી વખતે ઊંચું પણ જોઈ શકતો નથી. તે દુ:ખી થઈને પોતાની છાતી કૂટે છે અને કહે છે, "હે પ્રભુ, હું પાપી છું, મારા પર દયા કરો." ઈસુ એમ કહીને આ વાતને પૂરી કરે છે કે કર ઉઘરાવનાર અધિકારી જ તે દિવસે ઈશ્વરની આગળ ન્યાયી ઠરીને ઘરે ગયો હતો. ઈસુ સમજાવે છે કે કેવી રીતે પદવીનો આ આશ્ચર્યજનક વિપરિત ફેરફાર તેમના રાજ્યમાં કામ કરે છે: એટલે કે "જે પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, પણ જે તેની જાતને નમ્ર કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”

લૂક ઈસુના શબ્દોનું અનુસરણ કરીને નમ્રતાના આ વિષય પર ભાર મૂકે છે અને ઈસુના જીવનની બીજી એક ઘટના જણાવે છે. લૂક સમજાવે છે કે કેવી રીતે માતા-પિતા તેમના બાળકોને ઈસુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લાવે છે. શિષ્યો આ વિક્ષેપોને અયોગ્ય ગણાવે છે. તેઓ પરિવારજનોને પાછા જવા માટે સમજાવે છે. પરંતુ ઈસુ નાનકડાં ભૂલકાંઓ માટે ઊભા થાય છે અને કહે છે કે, "બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય તેમના જેવા બધા લોકો માટે છે." તે આ ચેતવણી અને આમંત્રણ સાથે એ વાતનો અંત કરે છે, "જે કોઈ ઈશ્વરના રાજ્યને બાળકની જેમ નહીં સ્વીકારે તે તેમાં પ્રવેશ કરી શકશે નહિ."

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• લૂક 18:10-14 માં જણાવેલ ઈસુની વાતની સમીક્ષા કરો. તમે શું અવલોકન કરો છો? ફરોશી અને કર ઉઘરાવનાર અધિકારીના પાત્રો તમારી સાથે કેવી રીતે સંબંધિત છે? ગર્વ અને સરખામણીમાં કયા જોખમો રહેલાં છે? ફરોશીની જેમ આપણે પણ ઈશ્વરની આગળ આપણા કાર્યો દ્વારા ન્યાયી થવાનો પ્રયત્ન કરી શકીએ છીએ, પરંતુ તેના બદલે ઈશ્વર તેમની દયાના કાર્ય વડે આપણા જીવનને ન્યાયી ઠરાવે તેનો શો અર્થ થાય છે?
• બાળકોના પરાવલંબી સ્વભાવ વિશે વિચાર કરો. બાળક જેવા થવું એટલે શું, તેનું વર્ણન તમે કેવી રીતે કરશો? અભિમાની હ્રદયના જે લોકોએ ઈસુની આ વાત સાંભળી હતી, તેમની સાથે બાળક જેવી પરાવલંબનની વિચારધારાને સરખાવો. તમે શું નોંધ્યું?

•તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈશ્વરની સુધારાવાદી દયાને માટે ઈશ્વરનો આભાર માનો, ફક્ત ઈશ્વર પર જ નિર્ભર રહેવાની પસંદગી કરો, અને ઈશ્વર તમારા પર જેવી દયા કરે છે એવી જ દયાથી બીજા લોકોને જોવાની દ્રષ્ટિ માગો.

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleproject.com/Gujarati/