BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકનમૂનો

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

DAY 13 OF 20

લૂકના આ વિભાગમાં ઈસુ એક એવું દ્રષ્ટાંત કહે છે, જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે કે કેવી રીતે તેમનું રાજ્ય આ જગતની પરિસ્થિતિઓને ઉલટાવી નાખે છે. તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે.
એક ધનવાન વ્યક્તિ હતો, જે હંમેશા મોંઘા કપડાં પહેરતો હતો, અને મોટા મકાનનો માલિક હતો. અને લાજરસ નામનો એક ગરીબ અને દુ:ખી માણસ હતો, જે દરરોજ તે ધનવાન માણસના ઘરની બહાર બેસીને ભીખ માંગતો હતો, અને તેની મેજ પરથી પડેલા કકડા ખાવાની ઇચ્છા રાખતો હતો. પરંતુ તે ધનવાન માણસ તેને કંઈ આપતો નથી, અને અંતે બંને મૃત્યુ પામે છે. લાજરસને શાશ્વત સુખ અને આરામવાળી જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યારે ધનવાન માણસને નરકમાં યાતના આપવામાં આવે છે. કોઈક રીતે તે ધનવાન માણસ લાજરસને ઇબ્રાહિમની પાસે જોઇ શકે છે, અને જેવો તે તેને જુએ છે કે તરત જ ઇબ્રાહિમને વિનંતી કરે છે, કે તે તેની તરસ છીપાવવા માટે લાજરસને પાણી લઈને તેની પાસે મોકલે. પરંતુ ધનવાન માણસને કહેવામાં આવે છે કે એમ થઇ શકે તેમ નથી. તેને પૃથ્વી પરનું તેનું જીવન યાદ કરાવવામાં આવે છે, કે જ્યારે લાજરસને તેની મદદની જરૂર હતી ત્યારે તે કેવું વૈભવી જીવન જીવતો હતો. તેથી ધનવાન માણસ આજીજી કરે છે, કે લાજરસને પૃથ્વી પર તેના પરિવારજનો પાસે મોકલવામાં આવે, જેથી તેના પરિવારજનોને આ યાતનાના સ્થળ વિશે ચેતવણી આપી શકાય. પરંતુ તેને કહેવામાં આવે છે કે તેના પરિવારજનો પાસે હિબ્રૂ પ્રબોધકોના લખાણો છે, જેમાં તેમના માટે જરૂરી હોય એવી બધી જ ચેતવણીઓ છે. ધનવાન માણસ દલીલ કરે છે કે જો લાજરસ જીવતો થાય તો તેના પરિવારને ખાતરી થાય. પરંતુ તેને એમ કહેવામાં આવે છે કે તેનાથી કોઈ ફેર પડશે નહીં. કેમ કે જો તેઓ મૂસા અને પ્રબોધકોની વાતોને સાંભળવાનો નકાર કરે છે, તો લાજરસ જીવતો થાય તોપણ તેની વાતને માનશે નહીં.
આ દ્રષ્ટાંત કહ્યા પછી, ઈસુ દરેક વ્યક્તિને ચેતવણી આપે છે કે જેઓ બીજાને દુ:ખ આપે છે તેમણે પોતે પણ દુ:ખ સહન કરવું પડશે. આવી દુર્દશાને ટાળવા માટે ઈસુ દરેક વ્યક્તિને એકબીજાની દરકાર રાખવાનો અને જેઓ ભૂલ કરે તેની ભૂલને સુધારવાનો બોધ આપે છે. જેઓ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરે છે, તેઓને માફી મળે છે, પછી ભલે આવી માફીની વારંવાર જરૂર પડે. ઈસુ દયાળુ છે. તે ઈચ્છે છે કે બહુ મોડું થઈ જાય તે પહેલાં દરેક વ્યક્તિ તેમને સાંભળે. ઈસુ દુ:ખોને ઉલટાવવા માટે આવ્યા છે, પણ કેવી રીતે? તે સત્યનું શિક્ષણ આપે છે, અને જેઓ તેને સાંભળે છે, તે બધાને બલિદાનરૂપે પોતાની માફી આપે છે. એ જ રીતે, તેઓના અનુયાયીઓએ પણ અન્ય લોકોને શીખવવાનું છે, અને માફી આપવાની છે.
ઈસુના શિષ્યો આ બધું સાંભળે છે અને સ્વીકારે છે કે ઈસુના ઉપદેશનું અનુસરણ કરવા માટે તેઓને જેટલાં પ્રમાણમાં ઈશ્વરમાં વિશ્વાસની જરૂર છે તેટલાં પ્રમાણમાં વિશ્વાસ નથી, તેથી તેઓ વધારે વિશ્વાસની માંગણી કરે છે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• લૂક 16:19-31 માં ઈસુ જે દ્રષ્ટાંત કહે છે તેની ઝીણવટપુર્વક સમીક્ષા કરો. ઈસુનું દ્રષ્ટાંત તમને કેવી રીતે લાગુ પડે છે, અને લૂક 17:1-4 માં જણાવેલ તેમના શિક્ષણને યોગ્ય રીતે સમજવામાં તમને કેવી રીતે મદદ કરે છે? જો તમે આ દ્રષ્ટાંતમાંનું કોઈ પાત્ર હોય, તો ઈસુ લાજરસ અને ધનવાન માણસ સાથેની તમારી પ્રતિક્રિયાને કેવી રીતે વર્ણવશે તે વિશે તમે શું માનો છો?
• લૂક 17:3 માંના ઈસુના શબ્દો પર ધ્યાન આપો. કોઈ તમારી વિરુદ્ધ પાપ કરે તો તમે શું કરશો? તે વ્યકિતનો સ્વસ્થ રીતે સામનો કરવો તે કેવી રીતે પ્રેમનું કાર્ય છે? શા માટે એવું કરવું કઠિન લાગે છે? જ્યારે કોઈ વ્યક્તિએ તમારી ભૂલ સુધારી હોય અને તમને માફ કર્યા હોય, એવા કોઇ પ્રસંગને યાદ કરો. તે કેવું હતું?
• તમારે શેના માટે માફીની જરૂર છે? કોને તમારી માફીની જરૂર છે?
• તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈશ્વરે આપેલી તાકીદની અને પ્રેમાળ ચેતવણીઓ માટે ઈશ્વરનો આભાર માનો, તમે જે લોકોને દુ:ખ પહોંચાડ્યું હોય તેમની માફી માગો, તમને દુ:ખ પહોંચાડનારાઓને માફ કરો અને જગતમાંથી દુઃખ દૂર કરવા માટેના ઈસુના કાર્યમાં જોડાવા માટે જરૂરી વિશ્વાસ પ્રાપ્ત કરવા પ્રભુને પ્રાર્થના કરો.

શાસ્ત્ર

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleproject.com/Gujarati/