YouVersion Logo
Search Icon

યોહ. 3

3
ઈસુ અને નિકોદેમસ
1નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો. 2તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”
3ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’” 4નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”
5ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી. 6જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે. 7મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ. 8પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”
9નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’” 10ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી? 11હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
12 જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 13સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
14 જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે; 15જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.
16કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. 17કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે. 18તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
19અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. 20કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી. 21પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”
ઈસુ અને યોહાન બાપ્તિસ્ત
22આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. 24કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
25ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો. 26તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”
27યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી. 28તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
29જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. 30તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
આકાશથી ઊતરી આવેલો
31જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે. 32તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી. 33જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
34જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા. 35પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે. 36દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’”

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy